0
Posted by Bhushan Thaker on 6:37 AM

તું પત્થરમાં ઝાકળ ના કર,
રણની વચ્ચે કુંપળ ના કર.

હું દિલમાં રાખુ છું સાગર,
શમણાં દઇને મ્રુગજળ ના કર.

માની લઉં છું તારી વાતો.
વાત વધારીને છળ ના કર

લખતો રહું છું હું આંસુથી,
માનસપટને કાગળ ના કર.

ને મસ્તી મળવી અઘરી છે,
આસવનું ગંગાજળ ના કર.

(જુની)

0
Posted by Bhushan Thaker on 6:20 AM
કોને પુછવું રસ્તો મારો ક્યાં અટકે છે.
મારી અંદર રખડું જેવું શું ભટકે છે?

દૌલતથી પણ મોટી દૌલત લઇને આવો.
મારી મસ્ત ફકીરી લોકોને ખટકે છે.

જીવતર માંડ્યું છે મેં સાદી છપ્પર જેવું.
ખંડેરોએ મરવાનું કટકે કટકે છે.

બોલો હું એને કેવા પીંજરમાં રાખું?
હાડના પીંજરમાંથી તો અક્સર છટકે છે.

મારો રસ્તો શોધું તોપણ બહુ છે મારે.
ચીલો ચાતરનારા શૂળી પર લટકે છે.

(મે-નવેમ્બર ૨૦૧૦)

0
Posted by Bhushan Thaker on 6:18 AM
સાગર ઉછળે મોજે-દરિયા.
રણમાં સળગે મોજે-દરિયા.

આસવ દો કે દઇ દો મ્રુગજળ
પ્યાલા ભરીએ મોજે-દરિયા.

હૈયામાં ઉકળાટ ભર્યો છે.
આંખોમાં છે મોજે-દરિયા.

પત્થર, કશ્તિ, સાગર, ઝંઝા.
કિસ્મત રહે છે મોજે-દરિયા.

ઘાયલના જો હાલ પૂછો તો,
મસ્તી છે ને મોજે-દરિયા.

(જુની)

0

જીવું છું જીન્દગી

Posted by Bhushan Thaker on 8:24 AM
જીવું છું જીન્દગીમાં સરફરોશીની અસર રાખી,
કરી છે સૌ મજાઓ મોતની સામે નજર રાખી.

હવે સૂકી ધરામાં પાંગરે છે રેશમી કૂંપળ.
અમે રણમાં લીલાછમ થઇ નજરને તરબતર રાખી.

નથી નડતી હતાશા કે મને આશા-નિરાશાઓ.
અમીરી ને ગરીબીમાં ખુમારી માતબર રાખી.

નનામી પર ચઢેલા ફુલ તો મીઠી નિશાની છે.
સફરમાં જે મળ્યા એ કંટકોની પણ ખબર રાખી.

ગઝલમાં સાચવી રાખી વસંતી બાગની ખુશ્બુ.
ગઝલનો કેફ ઘોળીને મહેકતી પાનખર રાખી.

-ભૂષણ